ઠંડી મોસમના સથવારે કરવા જેવા ઉપાયો

વિજાતિય તત્વોના સામના માટે શરીરમાં લડાયકબળ ઊભું કરવા ઠંડી-ઠંડી મોસમના સથવારે કરવા જેવા ઉપાયો

 

તમે,

ભલે સિગરેટ ન પીતા હો,

પરંતુ જો તમે અમદાવાદ જેવા ધુમાડિયા શહેરમાં રહેતા હો તો આખા દિવસમાં કેટલીય સિગરેટના ધૂમાડા કરતા અનેક ગણો ધૂમાડો તમારા ફેફસામાં પહોંચી જાય છે. કેરોસિનિયા વાહનોથી માંડી કંઈ કેટલાય કારખાનાઓ વાતાવરણમાં વિષમય વાયુઓને ઓકતા જાય છે. ચારેકોર ગંદકી – કચરાના ઉકરડા, ખુલ્લી જગ્યામાં થતાં જાજરૂ-પેશાબ, ગમે ત્યાં થૂંકવું – પિચકારીઓ મારવી વગેરેથી રોગના જીવાણુઓ હવામાં પ્રસરે છે. આવી દુષિત હવા આપણા શરીરને અનુકૂળ હોય કે ન હોય છતાં પણ આપણે એને શ્વાસ વાટે લેવી પડે છે.

 

તમે,

ભલે ગળણાથી ગાળીને પાણી પીતા હો,

પરંતુ ફ્લોરાઈડ જેવા રસાયણો અને અન્ય ઔદ્યોગિક રસાયણો કે જે પાણીમાં ઓગળી ગયા હોય છે. તે આપણી હોજરીમાં પહોંચી જાય છે. જેમ-જેમ પાણીનું તળ નીચે જતું જાય છે, તેમ-તેમ ફ્લોરાઈડ અને શરીરનેપ્રતિકૂળ તેવા ક્ષારો પાણીમાં વધુને વધુ આવતા જાય છે જે શરીરમાં હાડકા, દાંત, વાળ માટે સમસ્યારૂપ બની રહે છે.

 

તમે,

ભલે સુમધુર સંગીત સાંભળવા ટેવાયેલા હો,

પરંતુ ખખડી ગયેલા વહોનોની ઘર્રાટી, કાનમાં કોઈ તીક્ષ્ણ હથિયાર ખોસી દેતું હોય તેવા ચિત્ર-વિચિત્ર કર્કશ હોર્નના અવાજો, ટી.વી., વિડિઓના ધમાલિયા સંગીત (સંગીત નહિ પણ ઘોંઘાટ), ઔદ્યોગિક ગૃહોના ડખા-ડખ થતાં અવાજો; શેરબજાર – શાકમાર્કેટમાં તો અવાજ હોય પણ બેંકો અને સરકારી ઓફિસોમાં પણ શેરબજારને આંટી મારી દે તેવો બિનજરૂરી ઘોંઘાટ માનવીના મગજની નસોને તંગ કરી દે છે. આ તંગ થયેલી, ખેંચાયેલી નસોને કારણે માણસ હંમેશા ઉશ્કેરાયેલો, બહાવરો બની જાય છે. પરિણામે, તે સાચા નિર્ણયો લેવાની શક્તિ ગુમાવી દે છે. રાતની ઊંઘ હરામ થઇ જાય છે. સ્મૃતિ ધીમે-ધીમે ઓછી થતી જાય છે અને અંતે હાઇબ્લડપ્રેશરનો દર્દી બની જાય છે.

અને એટલે જ,

 

એકવીસમી સદી તરફ ધકેલાતો માનવી પ્રભુને પ્રાર્થના કરે છે કે, હે પ્રભુ! તે આંખની જેમ કાનને પણ પોપચા આપ્યા હોત તો કેવું સારું હતું! આવા ઘોંઘાટમાં એને ઉઘાડ-બંધ તો કરી શકાત.

હવા, પાણી અને ધ્વનિના પ્રદુષણ પ્રત્યે અમેરિકા, યુરોપ જેવા વિકસિત દેશોની જેમ આપણે ભારતીયો સજાગ નથી. સજાગ તો શું, પણ આ બાબતે આપણે અને આપણું સડી ગયેલું વ્યવસ્થાતંત્ર કુંભકર્ણ જેવી ઘોરનિદ્રામાં છે.

 

સિંગાપોરનો જેમણે પ્રવાસ કર્યો હશે, તેમને ખ્યાલ હશે, જાહેર રસ્તા પર થૂંકવાનો કે કાગળીયાનો ડૂચો ફેંકવા માટે કેટલો દંડ કરવામાં આવે છે? ભૂલે ચૂકેય તમે જાહેર રસ્તા પર થૂંકો તો તરત જ ‘હેલ્થ ગાર્ડ’ સીટી મારતા તમારી પાસે આવી પહોંચે છે, અને તમે કંઈ પણ આનાકાની કરો એ પહેલા ૫૦૦ ડોલરની પહોંચ તમારા હાથમાં પકડાવી દે છે. (સિંગાપોરના એક ડોલર પ્રમાણે ભારતના 47 રૂપિયા થાય. એટલે એકવાર થૂંકવાના કે કચરો ફેંકવાનો ચાંદલો અગિયાર હજાર રૂપિયાનો થાય.) વિકસિત દેશોમાં તમે બિનજરૂરી હોર્ન પણ ન વગાડી શકો, ત્યાં વાહન ચલાવવાની વાત જ ક્યાં રહે છે?

 

ત્યાંનું વ્યવસ્થાતંત્ર આટલું સજાગ અને મજબુત હોવા છતાં પણ જે થોડું ઘણું પ્રદુષણ રહેતું હોય છે, તેની વિષમયતા (ટોક્સીસિટી) થી બચવા ત્યાંની પ્રજા ડી-ટોક્સ શ્રેણીના ઔષધોનું સેવન કરે છે. જેથી શરીરમાં એક એવું લડાયક બળ ઊભું થાય કે તેનાથી બહારના કોઈ પણ વિજાતિય તત્વોનો સામનો થઇ શકે.

 

રોગ પ્રતિકારક ક્ષમતા:

આયુર્વેદમાં આવા લડાયક-પ્રતિકાર કરનારા તંત્રને બલ તરીકે ઓળખવામાં આવે છે. આ બલ ત્રણ પ્રકારે ઉદ્ભવતા હોય છે. એક સહજ – જન્મથી સ્વાભાવિક રીતે માતા-પિતાની ક્ષમતા અનુસાર જે તે વ્યક્તિમાં ઉતરી આવે છે. (જેને કારણે ઘણી વ્યક્તિઓ ગમે તેટલો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો પણ તંદુરસ્ત રહેતી હોય છે.)

બીજું, કાલજ – અમુક ઋતુ જેમ કે હેમંત અને શિશિર ઋતુમાં રોગો સામે લડનારું તંત્ર આપોઆપ સજ્જ થઇ જતું હોય છે. (શિયાળાની ઋતુ ડોકટરો માટે ઓફ સિઝન ગણાય છે.) ત્રીજું, યુક્તિકૃત – વ્યાયામ અને અન્ય રસાયન યોગો દ્વારા ઉદ્ભવતી ક્ષમતા.

 

વ્યાયામ:

રોજ સવારે નિયમિત ચાલવું કે હળવી અંગ કસરતો કરવાથી રોગો સામે લડવાની શક્તિ શરીરમાં ઉદ્ભવે છે. યોગાસન કરવાથી થાક પણ લાગતો નથી અને શરીરના બધા અવયવો અને સાંધાઓને સારી કસરતો મળી રહે છે. યોગસનથી વિશેષ ફાયદો એ રહે છે કે સાંધાઓમાં ભરાય રેહતો આમ (અપક્વ અન્નરસ – અન્ડાયજેસ્ટેડ ફૂડ) ગતિશીલ થઈને પક્વ બનીને ઉત્સર્ગતંત્ર દ્વારા તેનો નિકાલ થઇ જાય છે. પરસેવો થાય ત્યાં સુધીની કસરત કરવી, એવો આયુર્વેદનો મત છે. તેનાથી શરીર ઘાટીલું અને સુંદર બને છે. ગુલાબી ઠંડીના સંગે કસરત કરવાથી સ્ફૂર્તિ તો વધે જ છે, સાથે સાથે પ્રતિકારતંત્રની ક્ષમતા અનેક ગણી વધી જાય છે. જેને કારણે ડાયાબિટીઝ, એસિડીટી, રૂમેટીઝમ, એલર્જિક સમસ્યાઓ થતી નથી અને થઇ હોય તો ઓછી દવાએ મટી જાય છે.

 

તેલ – માલિશ:

આપણે ગુજરાતમાં શરીરે તેલથી માલિશ કરવાની પ્રથા ઘણી ઓછી છે. ઉત્તરના રાજ્યોમાં માલિશ કરવાની પ્રથા ખુબ જાણીતી છે. પગના તળિયાથી માંડી માથાના વાળ સુધી માલિશ કરવાનું આયુર્વેદનું કથન છે. જેના અનેક લાભ આયુર્વેદે કહેલા છે. જેમ કે આંખોની દ્રષ્ટિ સારી થવી, ઊંઘ સારી આવવી, માથાના વાળ વિકસિત થવા, થાક ઓછો લાગવો, સ્ફૂર્તિ અને શક્તિનો સંચાર વધવો, રક્ત, મજ્જા અને શુક્ર ધાતુ પુષ્ટ થવી, હાડકા અને સ્નાયુ મજબૂત થવા, ચામડી પરનું તેજ વધવું, ચામડી પર કરચલીઓ મોડી પડવી વગેરે.

 

અમેરિકાની કેલીફોર્નિયા યુનિવર્સીટીના વેલનેસ લેટર મુજબ, “શારીરિક શ્રમથી પેદા થતો થાક વેગેરે અસરો માલિશથી ઓછી થાય છે. સ્નાયુઓ રિલેક્સ થાય છે. માનસિક તાણ ઓછી કરી મગજને વિશ્રાંતિ માટે પ્રેરે છે, જેથી બ્લડપ્રેશર પણ ઘટે છે.” સુખ્યાત મસાજીસ્ટ કારિન ફલાસ્ટીનના મત પ્રમાણે માલિશથી શરીરમાં જમા થયેલી વધુ પડતી ચરબીનું વિઘટન થાય છે. તેમણે અનેક જાડા માણસોની ચરબી ઓછી કરી હતી. મસાજથી શરીરનું સૌષ્ઠવ વધે છે.

તમે ત્રણ માઈલ ચાલો, અને ચાલવાથી શરીરને જે કસરત મળે છે, તેટલી કસરત તમે આખા શરીરે એકવાર માલિશ કરાવો તેનાથી મળે છે. અને એ પણ કોઈપણ પ્રકારના થાક વગર, એવું જાણીતા

મસાજ થેરાપીસ્ટ લોરા ડૂવેસ પેર્યુલિસનું કહેવું છે. તેઓ વધુમાં એમ પણ કહે છે કે ચયાપચયની પ્રક્રીય દરમિયાન પેદા થતી રાસાયણિક આડપેદાશો કે જે સ્વાભાવિક કાર્યો માટે ક્યારેક અડચણરૂપ બને છે, તેને મસાજ ગતિ આપીને શરીરની બહાર હડસેલી મુકે છે.

 

આમ, માલિશ થેરાપીથી અનેક ફાયદાઓ સાથે શરીરમાં રોગપ્રતિકારક તંત્ર વધુ સક્ષમ બને છે. શિયાળામાં તલના તેલનું કે સરસિયાનું માલિશ કરી શકાય. સરસિયાના તેલથી માલિશ કરવાથી શીળસ (એલર્જિક અર્ટીકેરિયા) મટે છે.

 

સાલમ પાક:

હિમાલયની હજારથી બારસો ફૂટની ઉંચાઈએ ‘સાલમ’ નામની વનસ્પતિ થાય છે. એ સાલમ જેમાં મુખ્ય હોય છે તેવો પાક – સાલમ પાક. આપણે ત્યાં બલવૃદ્ધિ અને પુષ્ટિ માટે શિયાળામાં અનેક વસાણાઓ – પાકો બનાવવાની પ્રથા છે. સાલમપાકથી શરીરમાં શક્તિનો સંચય થાય છે. શુક્રધાતુને વધારનાર છે. માયકાંગલા – દૂબળા – પાતળા શરીરને સાલમપાક પુષ્ટ કરે છે. સાલમ મગજના કોષોને અને જ્ઞાનતંતુઓને બળ પુરૂં પાડે છે. એટલે દિવસ દરમિયાન પેદા થતો કંટાળો, થાક, વગેરે સાલમપાક ખાવાથી દૂર થાય છે.

કાન, આંખ વગેરે ઇન્દ્રિયોની કાર્યક્ષમતા તો વધારે છે સાથે-સાથે જે-તે ઇન્દ્રિયોમાં થતાં રોગોનો પ્રતિકાર કરવાની ક્ષમતા વધે છે. સાલમની સાથે પિસ્તા, બદામ, તજ, ધોળી મૂસળી, ગોખરું, અશ્વગંધા, શતાવરી, કૌંચા, કેસર, જાયફળ, જાવંત્રી, લવિંગ, એલચી, ચારોળી, અખરોટ, વંશલોચન, ચણક, બાબ, સાકર, ઘી વગેરેનો ઉપયોગ થાય છે. જે બધા ‘બલવૃદ્ધિ’ કરનારા ઔષધો છે. શિયાળાની ઋતુમાં સ્વાભાવિકપણે ભૂખ વધુ લાગે છે, જેને કારણે આવા પાક-પકવાન શરીર સારી રીતે પચાવી શકે છે.

 

ચ્યવનપ્રાશ અવલેહ:

દેશ-પરદેશમાં જેનો વધુને વધુ પ્રચાર અને પ્રસાર થઇ રહ્યો છે એવા આ રસાયણ વિષે બાળકોથી માંડી વૃદ્ધો સુધીના તમામ સૌ કોઈ પરિચિત છે. આમળા જેમાં સૌથી વધુ છે એવા આ ઔષધોમાં બીજા ૪૪ ઔષધો પણ મેળવવામાં આવે છે. આમળામાં દર ૧૦૦ ગ્રામે ૬૦૦ મિ. ગ્રામ જેટલું વિટામીન-સી આવેલું છે. આમળાને બાફવા કે સૂકવવા છતાં વિટામીન-સી ઓછું થતું નથી. નોબલ પારિતોષિક વિજેતા ડો. લાયનેસે પોતાની જાત પર પૂરા પાંચ વર્ષ પ્રયોગો કર્યા પછી તારણ કાઢ્યું કે “રોજિંદી જરૂરિયાત કરતાં થોડી વધારે માત્રામાં વિટામીન ‘સી’ લેવાથી શરદી થતી નથી.” શરદી જેવા કેટલાય એલર્જિક રોગોનો સામનો કરવા આમળા સક્ષમ છે. આમળાનું એક ગુણ વયઃસ્થાપન છે. વય એટલે યુવાની; સ્થાપન એટલે ટકાવી રાખવું; જે યુવાનીને ટકાવી રાખે છે.

ચ્યવનપ્રાશ, સાલમપાક, સુવર્ણ વસંત માલતી જેવા ઔષધો આયુર્વેદના કિંમતી (પ્રેશ્યસ) ઔષધો છે. જો તેમને સારી રીતે ન બનાવાયા હોય તો ધાર્યું પરિણામ મળી શકતું નથી. આવા ઔષધો ગમે તે ફાર્મસીના ન લેતા શક્ય હોય ત્યાં સુધી તમારા નજીકના વૈદ્યરાજની સલાહ-સૂચન પ્રમાણે લેવા.

 

સુવર્ણ વસંત માલતી:

પહેલાના જમાનામાં રજવાડાઓમાં શિયાળાની ઋતુ દરમિયાન રાજપરિવાર માટે સુવર્ણ વસંત માલતી જેવા કિંમતી ઔષધો રાજવૈદ્ય પાસે બનાવડાવવામાં આવતા. સોનાની ભસ્મ આ ઔષધમાં મેળવવામાં આવે છે. જો કે સૌથી વધારે યશદ / જસત (ઝિંક) ૮ (આઠ) ભાગ જેટલી હોય છે. સુવર્ણ વસંત માલતી જો શાસ્ત્રીય વિધિ પ્રમાણે અસલ બનેલી હોય તો ફક્ત એક જ ગોળી થાક, અશક્તિ, કંટાળો વગેરે દૂર કરીને આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ, શક્તિ, થનગનાટ અને તરવરાટ પેદા કરે છે. સુવર્ણ વસંત માલતી એવું ઔષધ છે જેને વખાણવા માટે આટલા શબ્દો પણ ઓછા પડે. જીનસેંગ જેવા કોરિયન ઔષધોને આટલી પ્રસિદ્ધિ મળી છે, એટલે એ વિશ્વવ્યાપી બની શક્યું છે. સુવર્ણ વસંત માલતી જીનસેંગ કરતા ખુબ જ શક્તિશાળી ઔષધ છે એવું કહેવું સહેજેય અતિશયોક્તિ ભરેલું નથી. જે દિવસે જગતને આ ઔષધની જાણ થશે તે દિવસે ભારતનું આ મહામૂલ્યવાન ઔષધ સમગ્ર જગતમાં પ્રસિદ્ધિની ટોચ પર હશે. સુવર્ણ વસંત માલતી વિષે વધુ ફરી ક્યારેક.

 

    વૈદ્ય સુષમા હીરપરા

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)