વારંવાર થઇ જતા ઉલ્ટીના દર્દને મટાડતો સરળ આયુર્વેદિક ઉપચાર…

 

વારંવાર થઇ જતા ઉલ્ટી/vomitingના દર્દને મટાડતો સરળ આયુર્વેદિક ઉપચાર…

 

કેમોથેરેપી અથવા ગરમીમાં શરીરને બક્ષતી શીતલ રેસીપી. બે ગ્લાસ પાણીમાં બે ચમચા ખડી સાકર અને એક આખી ઈલાયચી, એક નાનો ટુકડો તજ નાખીને દસ મિનિટ ઉકાળીને જે પીણું બને તે થોડું થોડું કરીને પીવાથી કોઈ પણ પ્રકારની ગરમી તથા ઉલ્ટીથી બચી જવાય.

 

ઉર્વીબેન… ચુસ્ત શાકાહારી.

 

જ્યારે જ્યારે રસ્તા પરથી આમલેટ – ઈંડાંની લારી પાસેથી નીકળતા ત્યારે એની વાંસથી એમને ઉબકા આવવા શરૂ થઇ જતા.

 

એકવાર બર્થ ડે પાર્ટીમાં ગયા. કેક ખાધી. ઘરે આવ્યા ત્યાં સુધી કાંઇ નહીં. ઘરમાં વાત નીકળી, કેક તો ઈંડાંમાથી બને. બસ, આટલુ સાંભળતા ઉર્વીબેનના પેટમાં ગરબડ શરૂ થઈ ગઈ અને ઉબકા ખાવા માંડ્યા. અને ઉલ્ટી થશે એવું થવા માંડ્યું. છાતીમાં કંઇક ન સમજાય તેવી પ્રતીતિ થવા માંડી, મોંનો સ્વાદ ચિત્ર, વિચિત્ર થવા માંડ્યો. અંતે ઉલ્ટી થઇ ત્યારે શાંતિ થઈ.

 

જ્યારે કેક જુએ કે આમલેટ – ઈંડાની વાસ આવે ત્યારે ખોરાક પ્રત્યે અરુચિ થઈ જાય.

 

વિવિધ પ્રકારની ઉલ્ટી/vomiting:

 

  • વાયુ, પિત્ત, કફ અને ત્રણેય દોષોને કારણે ઉલ્ટી થાય છે.
  • બિભિત્સજ – અપ્રીતિકર, અશુદ્ધ, અપવિત્ર, દુર્ગંધ યુક્ત વાસી ચીજોથી ઉલ્ટી થાય છે. જેમકે ટી.વી. પર લોહીલુહાણ લટકતા મૃતદેહોને સતત જોઈને ખોરાક પ્રત્યે અરુચિ, ઉબકા, ઉલ્ટી થવા.
  • દૌહૃદજ – દૌ એટલે બે. હૃદ એટલે હૃદય. સ્ત્રી જ્યારે બે હૃદય (જીવ) વાળી થાય ત્યારે ઉલ્ટી થાય, તે દૌહૃદજ કહેવાય છે.
  • આમજ – ખાધેલો ખોરાક પૂરપૂરો પચે નહિ ત્યારે જે આહાર રસ પેદા થાય છે તે પણ હોય છે અપક્વ હોય છે. જેને આમ કહે છે. અતિશય પ્રવાહી અને ચીકાશવાળી ચીજો વારંવાર ખાવાથી અથવા દૂધ સાથે ડુંગળી કે દૂધ સાથે માછલી જેવા વિરુદ્ધ આહાર ખાવાથી આમ પેદા થાય છે, જે ક્યારેક ઉલ્ટીમાં પરિણમે છે.
  • કૃમિજ – નાના બાળકોમાં કૃમિની વિશેષ તકલીફ થાય છે. ચોકલેટ, ગોળ, તલની ચીકી વગેરેના અતિરેકથી બાળકોમાં કરમિયા પેદા થાય છે. અને આ કરમિયાને કારણે ઉલ્ટી થાય છે.
  • માનસ – ઘણીવાર ઇચ્છિત ચીજની અપ્રાપ્તિને કારણે લાંબા સમયથી ઉલ્ટી થયે રાખે છે. જેમકે યૌવનનો આરંભ થઈ ગયો હોય અને મોટી ઉંમર સુધી લગ્ન ન થવા. જેને સાયકોસોમેટિક કહેવામાં આવે છે.

 

Vomiting As per Ayurveda

આયુર્વેદના મતથી ઈચ્છિત વસ્તુની અપ્રાપ્તિથી થતી ઉલ્ટીમાં આખરે વાયુના પ્રકોપને કારણ માનવામાં આવે છે.

 આચાર્ય ચરક કહે છે – कामः शोक भयात् वायुः ǀ

અર્થાત્ કામ, શોખ અને ભયથી વાયુ ઉગ્ર બને છે.

 

ઉપચાર – સારવાર:

 

ઉલ્ટીના દર્દીને અશક્તિ ન લાગતી હોય તો શરીરમાં રહેલા દોષોને બહાર નીકળી જવા દેવા. કારણ જો ઔષધોથી ઉલ્ટીને દબાવી દેવામાં આવે તો શરીરમાં બાકી રહેલા દૂષિત તત્વો તેનો વિષમય પ્રભાવ દેખાડે. પરિણામે શીળસ, મ્યુકોકોલાઈટીસ, ગેસ, બેચેની વગેરે થાય છે.

 

મોરના પીંછા:

 

મોરના પીંછામાંથી રંગીન ચાંદલાઓને કાતરથી કાપી તેને ઘીના દીવાથી સળગાવીને ભસ્મ બનાવવી. એ ભસ્મને લસોટીને અડધો ગ્રામ મધ સાથે લસોટીને લેવી. મોરનાં પીંછાંમાં તામ્રતત્વ છે, જે કફના આવરણને તોડી વાયુને પ્રાકૃત ગતિમાં લાવે છે.

 

છર્દિરિપુવટી:

 

છર્દિ એટલે ઉલ્ટી. રિપુ એટલે દુશ્મન. જે ઉલ્ટીના દર્દનું દુશ્મન છે તે. એક – એક ગોળી સવારે – બપોરે – સાંજે પાણી સાથે લેવી. તેનાથી ઉલ્ટી ઝડપથી મટે છે.

 

એરંડભ્રષ્ટ હરિતકી:

 

દિવેલમાં તળેલી હિમેજનો અધકચરો ભૂકો કરીને ૧૦૦ ગ્રામે એક ચમચી સંચળ ઉમેરીને ફાંકી બનાવી લેવી. રાત્રે સૂતી વખતે એક ચમચી નવશેકા ગરમ પાણી સાથે લેવાથી કોઇ પણ પ્રકારની ઉલ્ટી ઝડપથી મટી શકે છે.

 

–     વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા

gujarathealth365@gmail.com

 

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)