સનસ્ટ્રોક, આંખો રાતી રહેવી, તાવ – તરસ, ઝાડા – ઉલ્ટી જેવી સમસ્યાઓમાં અકસીર સુગંધિત ઔષધિ: કોથમીર – ધાણા

સનસ્ટ્રોકઆંખો રાતી રહેવી, તાવ  તરસ, ઝાડા – ઉલ્ટી જેવી સમસ્યાઓમાં અકસીર સુગંધિત ઔષધિ: કોથમીર – ધાણા

Summer in Gujarati 

તાજા કોથમીરની સુગંધ રુચિકર અને પાચક છે. માટે જ હાલ ડાયાબિટીસ – બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે એના ઉપર સંશોધન ચાલી રહ્યું છે.

આચાર્ય સુશ્રુતે જેનો ‘કુસ્તુમ્બરી’ ના નામથી ઉલ્લેખ કર્યો છે, તે કોથમીર દાળ, શાક, કઢી, ખમણ વગેરે ખાદ્ય પદાર્થોને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવવા માટે જાણીતી છે.

 

કાળીમાટી જેને પ્રિય છે તેવી આ કોથમીરના સફેદ અને આછા જાંબુડી રંગનાં ફૂલો થાય છે. તેમાં ધાણા તૈયાર થાય છે. જેમાં જીરુ ઉમેરીને આપણે ધાણાજીરું બનાવીએ છીએ. આ ધાણાને દબાવતાતેની બે ફાડ થાય છે. એમાંથી દાળ નીકળે તે આપણા પ્રિય મુખવાસ ધાણાની દાળ.

ઘણાં બધાં ગુણો ધરાવતા ધાણા, કોથમીર ભાજી કે ધાણાની દાળ વાયુ, પિત્ત અને કફ – ત્રિદોષને શાંત રાખવાનો વિશિષ્ટ ગુણ ધરાવે છે.

 

ન્યુટ્રીશનલ વેલ્યુ જોઈએ તો તેમાં પોટેશિયમ, ફોલિકએસિડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન ઉપરાંત વિટામિન A, K અને વિટામીન C પણ છે.

ડિટોક્સિફિકેશન (Detoxification):

ધાણાનો એક અસામાન્ય ગુણ એ છે કે તે શરીરમાં રહેલાં વિષાક્ત તત્વો – ટોક્સિનને શરીરની બહાર ફેંકી શકે છે. એના ઍન્ટિ-ઑક્સિડન્ટ ગુણને કારણે લીવરની કાર્યક્ષમતાને ઉત્તેજિત કરે છે.પરિણામે પાચક સ્ત્રાવોનો યોગ્ય સ્ત્રાવ થાય છે. જે HDL અને LDL કોલેસ્ટ્રોલનું નિયમન કરવામાં ઉપયોગી છે.

કોલેસ્ટ્રોલ:

એક સંશોધન અનુસાર ધાણાનું બનાવેલું પાણી નિયમિત પીવાથી રક્તગત કોલેસ્ટ્રોલનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. પ્રાચીનોએ તેને એટલે જ સ્ત્રોતો વિશોધિની અર્થાત્ રસ-રક્ત વગેરે ધાતુઓનુંવહન કરનારા માર્ગોને અવરોધ રહિત રાખવાનો ગુણ ધરાવનાર કહ્યા છે.

ચક્ષુષ્ય:

ધાણાનો એક ગુણ ચક્ષુષ્ય એટલે કે આંખો માટે હિતકારી – ગુણકારી કહેલ છે.

કોથમીરનો તાજો રસ બે ચમચી જેટલો સવારે પીવાથી અથવા ખોરાકમાં કોથમીર ઠીક-ઠીક પ્રમાણમાં લેવાથી આંખોની બળતરા, લાલાશ, સોજો, ખંજવાળ તડકામાં પૂરેપૂરી આંખો ના ખોલીશકાવી જેવી સમસ્યાઓ દૂર થાય છે.

સનસ્ટ્રોક Summer:

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘણી વ્યક્તિઓને લૂ લાગી જવાની સમસ્યા થતી હોય છે. જેમાં શરીર ખૂબ તપી જાય, આંખો લાલ થઈ જાય, ચક્કર આવે, ઝાડા-ઉલ્ટી થઇ જાય, ક્યારેક વ્યક્તિબેભાન પણ થઈ જાય. આવી સમસ્યાઓથી બચવા માટે ગરમીમાં મુસાફરી કરવાની થાય કે બહાર જવાનું થાય ત્યારે  ધાણાનું શરબત પી લેવું.

ધાણા શરબત:

ધાણાનો પાવડર બે ચમચી એક ગ્લાસ (આશરે ૨૦૦ ml) પાણીમાં જરૂરિયાત પ્રમાણે સાકર નાંખીને પલાળવું. બે કલાક પછી મસળીને, બરફ નાખીને પી જવું.

તાવ – તરસ – બળતરા:

ઉનાળામાં પિત્તને કારણે આવેલો તાવ કે ટાઇફોઇડ તાવમાં ધાણાના પાવડરનું બનાવેલું હિમ ખૂબ લાભકારી નીવડે છે.

હિમ:

ચૂર્ણને પલાળીને, ઉકાળ્યા વગર ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને હિમ કહે છે.

વારંવાર લાગતી તરસ કે જે પિત્તને કારણે હોય કે પછી ‘આમ’ને કારણે હોય તો ધાણાનો ઉકાળો કે હિમ બનાવી સાકર નાંખીને લેવું. તેનાથી તાવ, છાતી – પેટની – પેશાબની બળતરા પણ મટીજાય છે. ધાણા સાથે એકાદ ચપટી સૂંઠ ઉકાળીને લેવાથી ‘આમ’ – નહીં પચેલા ખોરાકથી પેદા થયેલા અજીર્ણ અને પેટનો દુખાવો પણ મટે છે.

ઝાડા – ઉલ્ટી:

વાયરલ ફીવર કે દવાની સાઈડ ઈફેક્ટ કે જુલાબ કે રેચ લીધા પછી કોઈ પણ દવાથી કંટ્રોલમાં ના આવતાં ઝાડા – ઉલ્ટીથી ડિહાઈડ્રેશન (Dehydration) ની સમસ્યા સર્જાય છે.

ધાણાજીરું + સાકર:

તમારા રસોઈ માટે વપરાતું ધાણાજીરું અને ખડીસાકરના પાવડરને સરખા ભાગે મિક્સ કરવું. દર કલાકે કલાકે અડધીથી એક ચમચી આ ચૂર્ણ લેવું. સ્વાદિષ્ટ હોવા છતાં જરૂર પડે ઉપર પાણી પીશકાય. ગણતરીના કલાકોમાં ચૂંક સાથેના ઝાડા પણ બંધ થઈ જાય છે.

બાળકો જો ચૂર્ણ – મિશ્રણ ના લઇ શકે તો એમાં પાણી મિક્સ કરીને પીવડાવી દેવું. બાળકો માટે ઉંમર પ્રમાણે એક ચપટીથી પા ચમચી (1/4th spoon) નું માપ રાખવું.

–     વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા

9825368884

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)