મિત્રો અને પ્રિયજનોને વિમુખ કરતી મહાસમસ્યા- દેહ દુર્ગંધ!

સિંહને કોઈ કહેતું નથી કે તારા મોંમાંથી દુર્ગંધ આવે છે. દરેક વ્યક્તિનો અહમ્ સિંહ જેવો જ હોય છે. રખેને, તેમને ખરાબ લાગી જશે, એમ માનીને કોઈ કહેતું નથી કે તેમના મોંમાંથી વાસ આવે છે.

કદાચ એવું પણ બને કે તમારા મોંમાંથી દુર્ગંધ આવતી હોય અને તમને ખબર પણ ન હોય, પરંતુ સામેની વ્યક્તિ તમારાથી દૂર રહેવાનું પસંદ કરે ત્યારે તમારી આ સમસ્યા વિષે સાવધ થઈ જવું પડે. મોંમાંથી દુર્ગંધ બે કારણથી આવે છે. એકતો દાંતની સમસ્યાથી અને બીજું ઉચ્છવાસની દુર્ગંધથી.

પરસેવાની દુર્ગંધ:

ટ્રેન, બસ કે જ્યાં વધુ ભીડ જમા થતી હોય ત્યાં ઘણી વ્યક્તિઓના પરસેવાની દુર્ગંધનો અનુભવ ઘણાને થતો હોય છે. એમાં પણ ખાસ કરીને ઉનાળાની ઋતુમાં અને ભેજવાળી ઋતુમાં આ સમસ્યા વિશેષ થાય છે.

ઘણી વ્યક્તિઓને એટલો બધો પરસેવો થતો હોય છે કે તેના શર્ટ – પેન્ટ કે અન્ય પહેરવેશ પર ક્ષારના સફેદ ધબ્બાઓ પડી જતા હોય છે. આમાંની કેટલીક વ્યક્તિઓનો પરસેવો અતિ દુર્ગંધિત હોય છે. આવી વ્યક્તિઓની બાજુમાં બેસવુંપડે ત્યારે ખરેખર ઉબકા આવી જાય તેવું થઈ જાય છે.

ઘણી વ્યક્તિઓ રોજ રોજ સ્નાન કરતી હોતી નથી. તો કેટલીક વ્યક્તિઓ એકના એક કપડાં બીજા – ત્રીજા દિવસે પણ પહેરતાં હોય છે. એમાં પણ ખાસ કરીને અંદરનાં કપડાં – અંડરવેર્સ, જો બે – ત્રણ દિવસ સુધી બદલવામાં ન આવે તોપરસેવાની ગંધ તીવ્ર બની જતી હોય છે.

પગનાં તળિયામાં વિશેષ પરસેવો થતો હોય તેવી વ્યક્તિઓ જો એકના એક મોજાં વધારે દિવસ પહેરી રાખે કે પહેરેલા બૂટની બરાબર સાફ-સૂફી ન થાય તો તેમાંથી તીવ્ર ગંધ આવતી હોય છે. આવી વ્યક્તિઓ જો બાજુમાં ગોઠવાય જાયતો આપણે ઊભા થઇને બીજી જગ્યા શોધવી પડે છે.

મેદસ્વીઓની દુર્ગંધ:

વધુ પડતી ચરબી ધરાવતી વ્યક્તિઓને વિશેષ પ્રસ્વેદ થાય છે. મેદ ધાતુ વગેરે દોષોથી આક્રાંત થાય ત્યારે મેદસ્વી વ્યક્તિઓનો પ્રસ્વેદ દુર્ગંધયુક્ત થાય છે.

મધુમેહની દુર્ગંધ:

જેમને ડાયાબિટીસ થવાનો હોય તેના સંકેતરૂપે તેવી વ્યક્તિઓના ચામડી, મળ, મૂત્રમાંથી દુર્ગંધ આવતી હોય છે. પ્રમેહની શરૂઆતમાં પિત્ત વગેરે દોષો અને બગડેલી ધાતુઓ કોથ (સડો લાવવાનો ગુણ) સ્વભાવી હોવાથી દુર્ગંધ આવવાનીશરૂઆત થાય છે.

પિત્તનો પૂતિ ગુણ:

શરીરમાં પિત્તદોષ વધે તેવા આહાર અને જીવનશૈલીને અનુસરવાથી પિત્તદોષની ઉગ્રતા વધે છે. પિત્તમાં પૂતિ ગુણ – સડો લાવવાનો ગુણ રહેલો છે.

પિત્તમાં જ્યારે આમ – અપકવ અંશ રહેલો હોય છે, ત્યારે વધુ દુર્ગંધ આવે છે. આવું પિત્ત જે – જે સ્થાનમાં જાય તે – તે જગ્યાએ દુર્ગંધ પ્રસરાવે છે.

જેમ કે મૂત્રવહ સંસ્થાનમાં જાય તો પેશાબ કરી લીધાની થોડીક ક્ષણોમાં તેમાંથી દુર્ગંધ આવવા માંડે છે.

ચામડીમાં જાય તો પરસેવો દુર્ગંધિત બને છે.

મળમાં આશ્રય કરે તો મળ અતિ દુર્ગંધિત થાય.

સ્ત્રીઓના માસિકને પણ ખૂબ દુર્ગંધવાળું બનાવી દે છે.

ઉપચારક્રમ:

મોંમાંથી આવતી દુર્ગંધ:hygiene

મોંમાંથી દુર્ગંધ આવતી હોય તેવી વ્યક્તિઓએ નિયમિત લીમડા, કણજી કે બાવળનું દાંતણ કરવું જોઈએ.

લીમડાનું દાંતણ કરવાથી દાંતમાં શરૂ થયેલો સડો, પેઢામાં આવતો સોજો વગેરે દૂર થાય છે. દાંત – દાઢનો દુખાવો મટે છે. દાંત નિર્મળ – સ્વચ્છ બને છે. અને દાંતનું આયુષ્ય વધી જાય છે.

શહેરમાં રહેતા લોકોને થાય કે રોજ તાજું દાંતણ લાવવું ક્યાંથી? દાંતણ રોજ-રોજ લાવવું જરૂરી નથી. એક સાથે ૧૦-૧૫ દાંતણ ખરીદીને, ફ્રિઝમાં ભીના કપડામાં વીંટાળીને મૂકી રાખવાથી દાતણ લીલા – તાજા રહે છે.

દંતમંજન:

લોધ્ર, અક્કગરો , ચોક, માયુફળ , લવિંગ , ઈલાયચી , કપૂર વગેરે ઔષધિઓના સંમિશ્રણથી બનાવેલું દંતમંજન સવારે પ્રાતઃકાળે અને રાત્રે સૂતી વખતે આંગળીથી કે સોફ્ટ બ્રશથી દાંત અને પેઢાં પર ઘસવું.

દંતમંજનથી દાંત ઉજ્જવળ બને છે. દાંત પરના પીળા, કથ્થાઈ રંગના ડાઘા ક્રમશઃ દૂર થાય છે. દાંતનો દુખાવો, દાંતમાંથી લોહી નીકળવું , પેઢામાં સડો પેદા થવો વગેરે સમસ્યાને પણ મટાડે છે.

માઉથવોશ (mouthwash):

તલનું તેલ – ૨ ચમચી + કપૂર – ૧ ચપટી + સિંધાલૂણ – ૨ ચપટી.

આ બધાંને મિક્સ કરીને મોઢામાં ભરી રાખવું. થોડો સમય રાખ્યા પછી ચોખ્ખા પાણીથી કોગળા કરવા. આનાથી પેઢાની અંદર રહેલું પસ – પરું કે બીજા વિજાતીય તત્વ તેલમાં ખેંચાઈ આવે છે. અને પેઢાની અંદરના ભાગનું સંક્રમણ દૂર થતાંમોંમાંથી આવતી વાસ દૂર થાય છે.

ઉબટન:

ઔષધિઓના પાવડરમાં દૂધ, પાણી કે મધનું મિશ્રણ કરી ચામડી પર ઘસી સ્નાન કરવાની પદ્ધતિને ઉદ્વર્તન – ઉબટન કહે છે.  ઉબટનથી પરસેવાની દુર્ગંધ ઝડપથી દૂર થાય છે, વળી ચામડી નીચે જમા થયેલી ચરબીનું વિઘટન થઈ ક્રમશઃચરબી ઘટવા માંડે છે.

  • હળદરને દૂધમાં લસોટી શરીર પર ચોળવું. તેનાથી –
  •  “चिर देह दौर्गंध्यम् जायति” એટલે કે લાંબા સમયથી પેદા થયેલી શરીરની દુર્ગંધ નાશ પામે છે.

  • હરડેના પાવડરમાં પાણી નાખી, રાખી મૂકવું. અડધા કલાક પછી તેની પેસ્ટને ચામડી પર ઘસી સ્નાન કરવું. તેનાથી ખૂબ થતો પરસેવો મટે છે.
  • આમળાના પાવડરને પાણીમાં પલાળી પેસ્ટ બનાવી ઘસવાથી પરસેવાની દુર્ગંધ મટે છે. ચામડીની ચમક – લસ્ટર (luster) વધે છે.

મહામંજિષ્ઠાદિ ઉકાળો:

મજીઠ, નાગરમોથ, હરડે, બહેડા, આમળા, ગળો, કડાછાલ, દારૂ હળદર, લીમડા છાલ, હળદર, વાવડીંગ વગેરે ૪૫ ઔષધિઓના સમન્વયથી મહામંજિષ્ઠાદિ ઉકાળો બનાવવામાં આવે છે. આ મહામંજિષ્ઠાદિના ભુક્કામાંથી ૨૫ ગ્રામ જેટલોભુક્કો લઈને સાંજે ચાર કપ પાણીમાં પલાળવો. સવારે અડધોથી પોણો કપ બાકી રહે ત્યાં સુધી ઉકાળવો. ઠંડો થયે ગાળીને તેમાં એક ચમચી મધ ઉમેરીને પીવું. મહામંજિષ્ઠાદિ ઉકાળામાં આવતી ઔષધિઓથી આમપિત્ત પકવ થાય છે. તથાનિરામ થયેલું પિત્ત હરડે, બહેડા, આમળા જેવી ઔષધિઓથી શરીરની બહાર ધકેલાય છે.

આમ, શરીરના પરસેવામાંથી આવતી દુર્ગંધનું મૂળ કારણ દૂર થતા દુર્ગંધની સમસ્યા દૂર થાય છે. દુર્ગંધ સ્નેહીજનો, મિત્રોને વિમુખ કરી દે છે, એટલે તેની અવગણના ન કરવી.

–     વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા

9825368884

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)