માથામાં હથોડા ટીપાતા હોય તેવી અસહ્ય વેદનાના મૂળ શું બહુ ઊંડા હોય છે?

માથામાં હથોડા ટીપાતા હોય તેવી અસહ્ય વેદનાના મૂળ શું બહુ ઊંડા હોય છે?

 

 

પ્રાચીન રોમન ફીઝીશીયન ક્લેડીઅસ ગ્લાને (ઈ.સ. ૧૨૯ થી ૧૯૯) સૌ પ્રથમ જેનું નામકરણ કર્યું છે, એ “માઈગ્રેન” નામના માથાના દુઃખાવાના ચિન્હો નીચે મુજબ છે.

 

 

૧. શરૂઆતના તબક્કે એવું મનાતું કે માઈગ્રેનની અસર માથાના અર્ધા ભાગને જ થાય છે. પરંતુ જયારે આ દુઃખાવો તબક્કાવાર વધે છે, ત્યારે આખાયે માથાને વેદનાથી દોરી લે છે.

 

૨. માઈગ્રેનના ઘણા દર્દીઓને ખાટી, કડવી ઉલ્ટીઓ થતી હોય છે, અને ઉલ્ટી થયા પછી માથાનો દુઃખાવો ક્રમશઃ ઘટતો જાય છે.

 

૩. આ સમસ્યાથી પીડાતા ઘણા દર્દીઓને માત્ર એકબાજુની આંખની ઉપરના ભાગે, કપાળમાં તીવ્ર વેદના થતી હોય છે. જેમાં કફ – શરદી – સાયનસની સમસ્યા પણ કેટલીકવાર સાથે જોડાયેલી હોય છે.

 

૪. માઈગ્રેનના કેટલાક દર્દીઓને પગની પિંડીઓમાં કળતર, થાક, અશક્તિ, ચક્કર આવવા જેવી સમસ્યા થતી હોય છે.

 

૫. તો કેટલાક દર્દીઓને માથાની પાછળના ભાગમાં ખૂબ દુઃખાવો થાય, બેચેની – મૂંઝવણ જેવું લાગે.

 

૬. માઈગ્રેનના કેટલાક વિશિષ્ટ ચિન્હો પણ જોવા મળે છે, જેમ કે આંખો આગળ કાળા ટપકાંઓ દેખાય, કાનમાં અવાજ આવે, શરીરના અર્ધા ભાગમાં ખાલી ચડી ગયા જેવી પ્રતીતી થાય, એક હાથ અને એક પગમાં નબળાઈ આવવી, વાતચીત કરતા જીભ થોથવાવી, વિચાર શક્તિમાં ખલેલ પહોંચતા કોઈ પણ કામમાં ધ્યાન કેન્દ્રિત ન થાય.

 

૭. કેટલાક દર્દીને માથાનો દુઃખાવો અખા દિવસમાં ગમે ત્યારે થતો હોય છે, તો કેટલાકને સવારે ઉઠતાની સાથે જ દુઃખાવો શરુ થઇ જતો હોય છે. કેટલાક દર્દીઓ પ્રકાશ સહી ન શકતા સૂર્યપ્રકાશમાં તેની આંખો ઝીણી અર્ધમીંચાયેલ અવસ્થામાં જોવા મળે છે.

 

૮. માઈગ્રેનનો દુઃખાવો તડકામાં ફરવાથી, વાતાવરણમાં થતાં ફેરફારથી, પૂરતી ઊંઘ ના મળે ત્યારે તો ક્યારેક વધારે પડતું ઊંઘ્યા પછી, મુગ્ધાઓને પ્રથમ માસિક વખતે, અતિશય ઘોંઘાટીયા વાતાવરણમાં, અતિશય ભૂખ લાગી હોય ત્યારે, ખુબ થાકી ગયા પછી, વ્હીસ્કીની ખાસ બ્રાન્ડ પીધા પછી, કેટલીક જાતની માછલી, મશરૂમ ખાવાથી માથાનો દુઃખાવો શરુ થાય છે.

માઈગ્રેન શબ્દની વ્યુત્પત્તિ ગ્રીક શબ્દ હેમીક્રેનીઆ (Hemicrania) પરથી થઇ છે. હેમી એટલે અડધું અને ક્રેનીઅન એટલે માથું. માથાના અડધા ભાગને પીડે છે, તેથી હેમી-ક્રેનીઆ કહે છે. હેમી-ક્રેનીઆનું ફ્રેન્ચમાં ‘માઈગ્રેન’ તરીકે રૂપાંતર થયું અને આખાયે જગતે આજ શબ્દને સ્વીકૃતિની મહોર મારી.

આયુર્વેદમાં આ રોગની ચિકિત્સા કરવાની થાય ત્યારે દર્દીને થતી તમામ ફરિયાદો સાંભળીને દોષ-પ્રકૃતિ અનુસાર તેનું વિશ્લેષણ કરવું પડે છે, કારણ કે માઈગ્રેન પ્રકારના માથાના દુખાવામાં ક્યારેક એક દોષ, ક્યારેક બે દોષ તો ક્યારેક ત્રણે દોષો ભેગા થઈને માથામાં તીવ્ર શૂલ પેદા કરે છે. છતાં પણ ‘માઈગ્રેન’ના બધા જ દર્દીઓ કરી શકે તેવો એક સામાન્ય ઉપચાર ક્રમ લખું છું. ધીરજ રાખીને ઉપચાર કરવાથી માથાના દુખાવાની તીવ્ર વેદનાને નિર્મૂળ કરી શકાય છે.

 

શુદ્ધ સોનાગેરુ ૬ (છ) ભાગ, સૂંઠ એક ભાગના પ્રમાણની ચણા જેવડી ગોળીઓ વાળી દિવસમાં બે વાર જમ્યા પછી બે-બે ગોળીઓ લેવી. સૂંઠ નહિ પચેલા ખોરાકનું પાચન કરશે. જેનાથી પિત્ત પેદા થવાનું કારણ નિર્મૂળ થશે. વળી તે કફ અને વાયુનું પણ શમન કરશે. સોનાગેરુ પેદા થયેલા પિત્તનો નાશ કરશે. વળી તેમાં લોહના અંશો હોવાથી રક્તકણોની વૃદ્ધિ કરીને શરીરના સમગ્ર તંત્રની કાર્યક્ષમતા વધારી દે છે.

 

શૂલવજ્રણી રસ – તમામ પ્રકારના દુખાવાઓને મટાડતું આ રસાયણ આયુર્વેદનું એક ગુણ-સંપન્ન ઔષધ છે. તેની એક-એક ગોળી સવારે, બપોરે, સાંજે પાણી સાથે લેવી.

 

સોડા બાય કાર્બ, કપર્દિકા ભસ્મ, શંખ ભસ્મ અને કપૂર કાચલીના ચૂર્ણને સરખાભાગે લઇ સવારે, બપોરે અને સાંજે તેમાંથી એક-એક ગ્રામ જેટલું પાણી સાથે લેવું. તેનાથી કફ અને પિત્ત દોષની આક્રમકતા ઘટે છે. અને વાયુ શીઘ્ર ગતિએ પોતાની પ્રાકૃત ગતિને અનુસરે છે.

 

ખોરાકમાં આથાવાળી ચીજો જેમ કે ખમણ, ઢોકળા, હાંડવો, ઢોંસા, ઈડલી, બ્રેડ, બન, પાઉં, સેન્ડવીચ વગેરે તદ્દન બંધ કરી દેવું. ટામેટા અમ્લપાકી છે, એટલે કે પચવાના સમયે પિત્તની માત્રામાં વધારો કરનારા છે, વાસી ભાતનું પણ આવું છે, એટલે આ બંને પણ ન લેવા. પચવામાં ભારે પડે તેવો ખોરાક આઈસ્ક્રીમ, મીઠાઈઓ, તળેલી ચીજો ના ખાવી. દોષોની ઉગ્રતા વધુ હોય તો તદ્દન હળવો ખોરાક અથવા તો બાફેલા દાળ, શાક વાળો ખોરાક લેવો.

 

 

    વૈદ્ય સુષમા હીરપરા

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)