લસણ

પ્રથમ ઓલિમ્પિકમાં ખેલાડીઓ વધુ તાકાત મેળવવા જે નૈસર્ગિક ઔષધનો ઉપયોગ કરતાં હતાં, તે શું કેન્સરના દર્દીઓને પણ પીડામાંથી મુક્ત કરાવશે?

 

લસણને કુદરતે એક કળીથી માંડી પચાસ કળી સુધીના વિવિધ સ્વરૂપમાં બનાવ્યું છે. ખટાશ સિવાયના બાકીના પાંચ રસો ધરાવતા લસણ પર ઘણાં વર્ષોથી સંશોધન ચાલી રહ્યું છે. અમેરિકાની નેશનલ કેન્સર ઇન્સ્ટીટયુટમાં ચાલી રહેલાં લસણ પરના એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોને ખુબ જ આશા છે કે લસણમાંથી કેન્સર વિરોધી (anticarcinogen) ઔષધ શોધી શકાશે. જો કે ભારત જેટલા જ વાનસ્પતિક ઔષધોને પ્રાધાન્ય આપતાં ચાઇનામાં થયેલ એક સંક્રામક રોગો પરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લસણ વધારે પ્રમાણમાં ખાવાથી પેટના કેન્સર સામે રક્ષણ મળી શકે છે.

જે લોકો સરેરાશ સાત કળી જેટલા લસણ(Garlic)નું નિત્ય સેવન કરે છે તેમને ઓછું લસણ ખાતા લોકોની અપેક્ષાએ દસ ગણું ઓછું ગેસ્ટ્રીક કેન્સર જોવા મળેલ છે. ખોરાક્માંના નાઈટ્રાઈટ્રસમાંથી પેદા થતાં કેન્સર કરનારા કેટલાક તત્વોને લસણ રોકે છે. પ્રાણીઓ પર થયેલાં અભ્યાસમાં પણ જણાયું છે કે લસણ ચામડી અને પેટના કેન્સરને અટકાવી શકે છે.

 

લસણ પર સંશોધન કરતા વૈજ્ઞાનિકો જો આ અભિયાનમાં સફળતા મેળવશે તો કેન્સર માટેનું પ્રથમ એવું ઔષધ હશે જે નૈસર્ગિક હશે અને કોઈ પણ પ્રકારની આડઅસર વગરનું હશે.

અંગ્રેજીમાં ગાર્લિકના નામે ઓળખાતાં લસણને વૈજ્ઞાનિક પરિભાષામાં Allium Sativum કહે છે. Allium શબ્દ જૂનો શબ્દ (old Celtic) all પરથી આવ્યો છે; જેનો અર્થ થાય છે બળતરા. આમ ઉપર્યુક્ત લેટિન નામ લસણના સ્વાભાવિક ગુણ પરથી પડેલું છે.  

 

વનસ્પતિઓનો અભ્યાસ કરતી એક વ્યક્તિએ કોઈ અજાણ્યા મૂળને જમીનમાંથી ખેંચી કાઢ્યું. પછી કુતૂહલથી પ્રેરાઈને તેમણે એ જાણવા પ્રયત્ન કર્યો કે આને ખાઈએ તો કેવું લાગે? શું થાય? તેમણે તે કંદના ઉપરના પાંદડાઓ કંદસહિત ચાવીને તેનો રસ ગળા નીચે ઉતાર્યો. તેનાથી તેને મોઢામાં અને છાતીમાં બળતરા થવા માંડી અને કંઇક અંશે ન ગમે તેવી તીવ્ર વાંસ પણ આવવા માંડી. પરંતુ થોડી ક્ષણો પછી તેને આશ્ચર્ય થયું, ઘણાં સમયથી થયેલો ત્રાસદાયક પેટનો દુખાવો ક્રમશઃ ઘટવા માંડ્યો. જો કે આ ઘટનાથી આપણને ભારતીયોને કંઈ નવાઈ જેવું લાગે તેમ નથી. કારણ કે આપણે ત્યાં સૌરાષ્ટ્રના ઘણાં ખેડૂત કુટુંબો વર્ષોથી સવારના શિરામણમાં દહીંમાં બાજરીનો રોટલો ચોળીને એમાં લસણની ચટણી નાખીને ખાય છે. અને ઘણાં રોગોના જીવાણુઓની વણજારને જાણે-અજાણે દૂર હડસેલે છે. આ ઉપરાંત, ઘણાં વડીલો પેટ અને શરીરના અન્ય ભાગમાં થતાં દુખાવા માટે લસણનો ઉપયોગ કરવાનું સૂચન કરે છે. ચરક-સુશ્રુતના જમાનાથી લસણનું મૂલ્ય આપણે ત્યાં વધારે છે.

 

પરંતુ, પાશ્ચાત્ય દેશોના તબીબી અભિપ્રાય પ્રમાણે લસણનો રોગ મટાડનાર તત્વો વિષેનો પ્રારંભિક અહેવાલ એક રોમન ડોક્ટર દ્વારા પહેલી સદીમાં સંકલિત થયો હતો. એ દિવસોમાં પણ લસણનો રસ ચામડીના રોગો, કફ-શરદી, આંતરડાના રોગો, ભૂખ વધારવા અને વજન વધારવાના ઉપાયો તરીકે થતો હતો.

 

શક્તિવર્ધક Garlic

 

પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવનો શુભ આરંભ ૬ઠ્ઠી એપ્રિલ, ૧૮૯૬માં ગ્રીસના એથેન્સ શહેરમાં થયો ત્યારે કહેવાય છે કે અત્યારે જેમ શક્તિ અને જુસ્સો વધારવા માટે સ્ટીરોઇડઝ જેવા વિવિધ ઔષધોનો ખેલાડીઓ ઉપયોગ કરે છે તેવી જ રીતે પ્રથમ ઓલિમ્પિક વખતે લસણનો ઉપયોગ energies  – તાકાત વધારનાર તરીકે કરતાં હતાં. જો કે આ આખીય બાબતના મૂળમાં કોઈ સબળ પુરાવાનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી. પણ ઉપરની ઘટનાને આધારે કેટલાક વૈજ્ઞાનિકોએ લસણની શારીરિક સામર્થ્ય વધારવાની ક્ષમતા વિષે ઉંદરો પર અભ્યાસ કર્યો છે. અને તેના પ્રાથમિક અહેવાલોના આધારે જાણી શકાયું કે લસણથી ઉંદરોનું શારીરિક સામર્થ્ય વધ્યું હતું. ઉપરાંત તેમની તરવાની ક્ષમતા પણ વધી હતી.

 

રશિયન બોટનીસ્ટ લીઓનીડ સ્કલ્યાવરેસ્કી (Leonid Skalyavreski) ના અભિપ્રાય પ્રમાણે જે લોકો માનસિક રીતે શિથીલ થઇ ગયા હોય અને તદ્દન નિરૂત્સાહી અને પ્રમાદી થઇ ગયા હોય તેમને માટે લસણ ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. તેમના મત પ્રમાણે શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરવાનો લસણમાં વિશિષ્ટ પ્રકારનો ઔષધીય ગુણ રહેલો છે.

 

જીવાણું અને ફુગનાશક Garlic

 

૧૮૫૮માં લૂઇસ પેસ્ટયુર (Louis Pasteur) નામના પાશ્ચાત્ય વિદ્વાને લસણમાં એન્ટી બેક્ટેરીઅલ તત્વો છે એવું શોધી કાઢ્યું હતું. આલ્બર્ટ શ્વાઇત્ઝરે (Albert Schweitzer) એમિબીક ડીસેન્ટ્રી (amoebic dysentery) (મરડા)ની સારવાર લસણથી કરી હતી. બીજા વિશ્વયુદ્ધ વખતે લસણ એક એન્ટીબાયોટીક તરીકે પડેલા ઘા રૂઝવવામાં વપરાતું, જે ઘણું અસરકારક નીવડ્યું હતું અને એના કારણે હજારોનો જીવ બચાવનાર તરીકેનો શ્રેય લસણને ફાળે જાય છે. સંશોધનો દર્શાવે છે કે લસણમાંના કેટલાક તત્વો ૬૦ પ્રકારની ફુગ અને ૨૦ પ્રકારના બેક્ટેરિયા કે જેમાંના ઘણા ચેપી અને પ્રાણઘાતક છે, તેમને મારી શકે છે; અથવા તો તેમની રોગોત્પાદક ક્ષમતા ઘટાડી દે છે.

 

મહત્વની ટીપ્સ

 

કમળકુટુંબ (lily family) નું આ નૈસર્ગિક રસાયણ હૃદય સંબંધિત રોગોમાં પણ ઉપયોગી પુરવાર થયેલું છે. તેનાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે.  

આ ઉપરાંત, કેટલીક ફાયનલ ટીપ્સ અમે તમને આપીએ છીએ જે તમારી ડાયરીમાં ટપકાવી રાખશો તો તમારા કુટુંબને, પાડોશીઓને કે મિત્રોને ઉપયોગી પુરવાર થશે.

 

૧. કાનમાં ધાક પડી હોય (શરદી વગેરેથી) તો લસણની કળી થોડી છોલી રૂં વીંટાળીને કાનમાં રાખવાથી ધાક ઓછી થઇ જાય છે. આ ઉપચાર, કાનમાં જેમને વિશિષ્ટ પ્રકારના અવાજ આવતા હોય તેઓ પણ કરી શકે છે.

 

  1. ફેશિયલ પેરાલિસિસ કે જેમાં એક આંખના પલકારા અનિયમિત થઇ જાય છે અને એક બાજુનું મોઢું વાંકું થઇ જાય છે, બોલવામાં જીભ થોથવાય છે તેમાં લસણની પાંચ કળી વાટી તલના તેલમાં ખવડાવવી અથવા તો લસણ નાખેલા અડદના વડા તેલમાં તળીને ખાવાથી ઘણો ફાયદો થાય છે. પ્રારંભિક તબક્કાનો મોઢાનો લકવો આનાથી અંકુશમાં આવે છે.

 

૩. ફેક્ચરના દર્દીઓએ લસણની સાત-આઠ કળીઓને ઘીમાં સાંતળીને ખાવી જોઈએ. જેનાથી ભાંગી ગયેલા હાડકાનું સંધાણ ઝડપથી થાય છે અને દુખાવો પણ ઓછો થાય છે. અને ઉતરી ગયેલા હાડકાને સ્વ-સ્થાને ગોઠવ્યા પછી ત્યાંના સ્નાયુઓના બંધનોને મજબૂત બનાવે છે.

 

૪. જેમાં વીંછીએ ડંખ માર્યા જેવી અસહ્ય વેદના થાય છે તે આમવાત – રૂમેટીઝમના અને ઢીંચણના સાંધાના વા ના દર્દીઓ ઉપરાંત જેમનો આખો પગ કમરથી પાની સુધી દુઃખતો હોય તેવા ______- સાયટિકાના દર્દીઓએ ભોજનના પેહલાં કોળિએ ઘીમાં સાંતળેલી લસણની સાત-આઠ કળીઓને ચાવી જવી, પછી ભોજન લેવું.

 

ગર્ભવતી બહેનોએ અને જેમને માસિક વધારે આવતું હોય તેવી મહિલાઓએ લસણ ખાવામાં સંયમ જાળવવો. દૂધ અને ગોળ સાથે લસણ ખાવું નહિ, તેનાથી કેટલાક રાસાયણિક સંયોજનોમાં ફેરફાર થતાં શરીર માટે હાનિકારક બને છે. ઉનાળામાં અને શરદ ઋતુમાં પણ લસણની માત્રા ઓછી રાખવી. પિત્ત પ્રકૃતિની વ્યક્તિઓએ પણ લસણ ઓછું ખાવું.

 

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)