પગના વાઢિયા

 

ઘઉંના ખેતરમાં નવવધૂના ઘૂંઘટમાં અને વહેલી સવારના તડકામાં મધુરતમ લાગતો શિયાળો, કંઈ કેટલાય પગના વાઢિયામાં ક્રૂર બનીને નિઃસાસા નંખાવે છે…

 

શિયાળાની ઠંડી અને સૂકી આબોહવામાં વાઢિયાના રોગનું પ્રમાણ વિશે જોવા મળે છે. વાઢિયા માત્ર પગના તળિયે જ થાય છે એવું નથી. હોઠ, સ્તન, મળમાર્ગ વગેરે સ્થાનોએ પણ થાય છે. ઠંડી અને સૂકી હવાને કારણે ચામડીનો સંકોચ થાય છે, ચામડી પર આવેલા છિદ્રો પણ સંકુચિત થાય છે. જેને કારણે ચામડીની નીચેના ભાગમાં આવેલી સ્નેહગ્રંથિઓનો સ્ત્રાવ બરાબર થઇ શકતો નથી. આ સ્ત્રાવના અભાવે ત્વચાની અંદર રહેલા તૈલી ભાગનું પ્રમાણ ઘટના માંડે છે. જેવી રીતે વરસાદની અભાવે જમીનમાં તિરાડો પડવા માંડે છે, એમ ચામડીના કોષો સ્નેહ તૈલી પદાર્થના અભાવે એકબીજાનો સંપર્ક ગુમાવવા માંડે છે, પરિણામે જે તે સ્થાનનો ત્વચામાં તિરાડો પડી જાય છે. આમ ચામડીની ફાટી જવાની પ્રક્રિયાને વાઢિયા કહે છે, જેને અંગ્રેજીમાં fissures કહે છે.

 

fissures

પુરુષો કરતાં સ્ત્રીઓને વાઢિયા થવાનું પ્રમાણ વધારે જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને પગના વાઢિયા. એનું સૌથી મોટું કારણ એ છે કે પરંપરાગત રીતે પુરુષો બૂટ પહેરે છે, જેને પરિણામે બહારની અબોહવાથી રક્ષણ મળી શકે છે. છતાં પણ બૂટ પહેરતાં પુરુષોને આ રોગ નથી જ થતો એવું માનવાને કોઈ કારણ નથી. સ્ત્રીઓ વિશષ કરીને ચંપલ જ પહેરતી હોય છે, જેથી ઠંડી હવાથી પગને પુરું રક્ષણ મળી શકતું નથી. વળી સ્ત્રીઓને પાણીમાં રહીને વધારે કામ કરવું પડતું હોય છે અને એમાં પણ શિયાળાની ઋતુમાં પાણીથી ભીંજાયેલા પગની ચામડી ઠંડીથી વધારે સંકુચિત થઇ જતી હોય છે.

 

વાસી અને લુખ્ખું અન્ન ખાવાની ટેવ કેટલીક બહેનોમાં વધારે હોય છે. જો કે એમાં આર્થિક કારણ પણ હોઈ શકે છે. આવું અન્ન વાયુનો પ્રકોપ કરીને ચામડીમાં વિક્રિયા કરે છે. જો કે સમૃદ્ધ વર્ગને આ રોગ છોડી દે છે એવું નથી. કારણ કે ત્યાં પણ ઠંડાપીણાં, ફ્રિઝનું પાણી વગેરે વાયુ વધારનારા પદાર્થોનું સેવન વિશેષ થતું હોય છે. એટલે તેવા વર્ગને પણ આ રોગનો ભોગ બનવું પડે છે.

તેલનું માલિશ Fissures

જેમને વાઢિયાની વારંવાર તકલીફ હોય તેમણે ત્વચાના એ ભાગને તૈલી પદાર્થ વધારે પ્રમાણમાં મળી રહે તેવું આયોજન કરવું જોઈએ. શિયાળામાં આખા શરીરમાં તેલનું માલિશ કરાય તો સમગ્ર ત્વચા તંદુરસ્ત તો થાય જ, પરંતુ તે ઓજસ્વી (ચમક – તેજયુક્ત) બને છે. આયુર્વેદમાં જુદી-જુદી જગ્યાએ તેલનું માલિશ કરાય તો કેવા ફાયદા થાય તેનું વર્ણન કર્યું છે. પગના વાઢિયાના સંદર્ભમાં પગે માલિશ કરાય તો કેવો ફાયદો થાય એ વિષે આચાર્ય ભાવપ્રકાશ કહે છે કે, “પગે તેલ ચોળવાથી પગ મજબૂત થાય છે. ઊંઘ સારી આવે છે. આંખ નિર્મળ – સ્વચ્છ રહે છે. પગ બહેર મારી જતા નથી ક થાકથી અકડાઈ જતા નથી. પગની ત્વચા સંકોચ પામતી નથી કે ફાટી પણ જતી નથી.”

 

જાત્યાદિ ધૃત For Fissures

 

પગના ચીરાઓ માટે ‘જાત્યાદિ ધૃત’ ખૂબ જ ઉપયોગી ઔષધ છે. રાત્રે પગ પર અથવા તો જ્યાં ચીરાઓની તકલીફ હોય ત્યાં બરાબર ઘસીને લગાડી દેવું. સવારે હુંફાળા ગરમ પાણીથી પગને સાફ કરી નાખવા. આમ કરવાથી પગમાં પડેલા ચીરાઓમાં રૂઝ આવી જાય છે. આ ઉપરાંત, દેશી મીણનો ઉપચાર પણ ખૂબ જ ઉપયોગી પુરવાર થયો છે. ગાંધીને ત્યાંથી મધમાખીનું મીણ લાવી તેને ગરમ કરવું. જેટલું મીણ હોય તેનાથી છ ગણું દિવેલ એમાં ઉમેરી દેવું. આથી સરસ મલમ તૈયાર થઇ જશે. આ મલમ પણ ઉપરની રીત પ્રમાણે લગાડવાથી વાઢિયા ઝડપથી મટે છે. વાઢિયાની સમસ્યા સાથે જેમને પોતાની ચામડી રુક્ષ – બરછટ લાગતી હોય તેમણે જમ્યા પછી બે ચમચી ઘી ગરમ દૂધ સાથે પી જવું. કેટલાકને એકલું ઘી ભાવતું નથી હોતું, તેવા લોકો ભાતમાં ખાંડ અને ઘી નાખીને છેલ્લે ખાઈ શકે છે.

 

આ ભોજનોત્તર ધૃતપાન ઉપચાર વાયુના વિકારોના શમન માટે ઘણો જ ઉપયોગી છે.

 

જો કે દર વખતે ખોરાકમાંથી સ્નેહના અભાવે વાઢિયા થતાં હોય છે એવું નથી. સમૃદ્ધ વર્ગ સમૃદ્ધ ખોરાક આરોગીને દેહ સમૃદ્ધિ વધાર્યે જતો હોય છે, એમાં સ્નેહનો અભાવ જોવા નથી મળતો. પરંતુ આયુર્વેદ કહે છે કે વાયુનો પ્રકોપ બે પ્રકારે થતો હોય છે.

 

એક તો ધાતુઓનો વ્યય થઈને અને બીજો આમ – કાચા રસના અવરોધને પરિણામે. મેદસ્વી વ્યક્તિઓમાં આમ – કાચા રસનું પ્રમાણ વિશષ હોવાની સંભાવના રહે છે. આ કાચા રસને શરીરમાંથી દૂર કરવા માટે કડક પરેજી પાળી હલકો ખોરાક લેવો જોઈએ. જેનાથી આમનું પ્રમાણ ઓછું થતાં રસ-રક્ત ધાતુઓનું વહન કરનાર માર્ગો ખુલ્લા થઈને અવરોધરહિત બની જાય છે. જેથી જે કોષોને રસ-રક્તની જરૂરિયાત હોય તેને પૂરી પાડે છે.

 

વાઢિયાની સમસ્યાથી પીડાતી વ્યક્તિઓએ બાહ્ય ઉપચારની સાથે સાથે અઠવાડિયામાં એકાદ બે વખત દિવેલનો જુલાબ લેવો જોઈએ. આ ઉપરાંત, આ રોગમાં પંચતિક્ત ગુગલું પણ સાફ પરિણામ આપે છે. લાંબા સમયની સમસ્યાથી પીડાતા વાઢિયાના દર્દીઓ ઔષધોથી સિદ્ધ કરેલ આ ઘી રોજ સવારે નરણા કોઠે ગરમ દૂધ સાથે બે ચમચી જેટલું લેવું.

 

કોઈ પણ દર્દ જયારે નાનું હોય ત્યારે આપણે જ તેના તરફ બેદરકાર રહીને વધુને વધુ વકરવા દઈએ છીએ. વાઢિયાનું પણ એવું જ છે. કારણ કે શરૂઆતના તબક્કે એવી વેદના અલ્પ પ્રમાણમાં હોય છે. એકાદ સાદો ઉપચાર બે ચાર વાર કર્યો ન કર્યો અને થોડું સારું થયું એટલે એને બંધ કરી દઈએ છીએ. પરંતુ આમ કરવાથી રોગ સદંતર નાબુદ થઇ જતો નથી. પછી જયારે પુરતા કારણે મળે ત્યારે વધારે લક્ષણોના સમૂહ સાથે ઉગ્ર સ્વરૂપે બહાર આવે છે. ત્યારે આપણા સાદા ઉપાયો કામિયાબ બની જાય છે.

 

 તમને પણ તમારા મનમાં તંદુરસ્તી – આરોગ્યને લગતા કોઈ પ્રશ્નો પેદા થાય e mail કરવો.

 

 

 

Vaidya Sushama Hirpara

9825368884

gujarathealth365@gmail.com

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)