ઈયોસિનોફિલીયા (Eosinophilia)…

ઈયોસિનોફિલીયા (Eosinophilia)

 

વારંવાર ખાંસી, શ્વાસ ચડવો, ખૂબ અશક્તિ લાગવી, વજન ઘટવા માંડે…

 

હળદરને ગાયના ઘીમાં શેકવી. અડધી ચમચી આ હળદરને મધમાં મિક્સ કરીને ખાંસીના વેગ આવે ત્યારે ચટાડવાથી ઝડપથી રાહત થાય છે.

જ્યારે પ્રતિકૂળ તત્વો શરીરમાં દાખલ થાય ત્યારે શરીર તેનો વિરોધ કરે છે. શરીર આવા પ્રતિકૂળ તત્વને આત્મસાત કરવા તૈયાર થતું નથી. શરીર માટે આવાં તત્વો વિજાતીય હોય છે. એ તત્વોને બહાર હડસેલવા માટે શરીર ભારે મથામણ કરે છે. જોરદાર પ્રતિકાર કરે છે. ક્યારેક તો રીતસરનું યુદ્ધ શરૂ કરી દે છે. સ્વાસ્થ્યના દુશ્મનો પર શ્વેતકણો જોરદાર હુમલો કરે છે. જો આ સામનામાં ચેપના સૂક્ષ્મ જંતુઓ કે વિજાતીય તત્વોને નિષ્ક્રિય બનાવવામાં કે તેને ગળી જવામાં શ્વેતકણો સફળ થાય તો ચેપની અસર થતી નથી. પરંતુ આ યુદ્ધમાં શ્વેતકણો પરાજિત થાય તો વિજાતીય તત્વો શરીરમાં સાગમટે પ્રવેશે છે. અને તેમની વસતી બહોળા પ્રમાણમાં વધવા માંડે છે. અને જે તે વ્યક્તિ ચેપનો ભોગ બને છે.

ઈયોસિનોફિલ કોષો:

શરીરમાં પ્રવેશેલાં પ્રતિકૂળ તત્વને બહાર કાઢવાની પ્રક્રિયારૂપે લોહીમાં રહેલાં ત્રણ પ્રકારનાં શ્વેતકણો – બેઝોફિલ, ન્યુટ્રોફિલ અને ઇયોસિનોફિલ કાર્યરત થાય છે.

ઇયોસિનોફિલ લોહીમાંનાં શ્વેતકણોના પ્રમાણના ત્રણ-ચાર ટકા જેટલું હોય છે. પરંતુ ક્યારેક આ ઇયોસિનોફિલ કાઉન્ટ સાત-આઠ-દસ ટકા કે એથી પણ ઘણું વધી જાય છે.

કારણો :

ઇયોસિનોફિલનું પ્રમાણ વધી જવાના કેટલાક કારણો છે, જેમ કે…

શરીર જ્યારે કેટલાક વિજાતીય તત્વોને આત્મસાત નથી કરતું ત્યારે પેદા થતી પ્રતિક્રિયા – એલર્જીને કારણે ઈયોસિનોફિલ્સ કોષો વધે છે. જેમાં શ્વાસ લેતી વખતે પ્રવેશતાં ધૂળ-ધૂમાડાનાં સૂક્ષ્મકણો, ફૂલોની સુગંધ, ખોરાકમાં આવતી પ્રોટીનયુક્ત ખાદ્યચીજો કે માફક ન આવતાં હોય તેવાં ઔષધો એલર્જી માટે જવાબદાર હોઈ શકે છે.

પેટ – આંતરડામાં વિવિધ પ્રકારના કરમિયા થતાં હોય, તો ઈયોસિનોફિલ્સ શ્વેતકણોનું પ્રમાણ વધે છે.

ફેફસાં – શ્વાસનળી પર ચેપ કે એલર્જીની અસર થાય તો પણ ઇયોસિનોફિલ્સની સંખ્યા વધે છે.

એલર્જીક અર્ટિકેરીયા (શીળસ), ખરજવું કે ચામડીનાં કેટલાક દર્દોમાં ઇયોસિનોફિલ્સનું પ્રમાણ વધે છે.

હાથીપગા માટે જવાબદાર ફાયલેરિયાનાં કૃમિઓ લોહીમાં પ્રવેશવાથી ઇયોસિનોફિલ્સ કોષોના પ્રમાણમાં ખૂબ વધારો થાય છે.

કેટલાક પ્રકારના કેન્સર, હોજકિન્સ ડિસીઝ (Hodgkin’s Disease) તરીકે ઓળખાતા લસિકા ગ્રંથિના કેન્સરમાં ઇયોસિનાફિલ્સ વધે છે.

 

Read more: સંધિવા(Gout) એટલે શું?

ચિન્હો:

ઈયોસિનોફિલ્સનું પ્રમાણ વધ્યું છે કે નહીં તે લોહીની તપાસથી સરળતાથી જાણી શકાય છે. જેમના લોહીમાં ઈયોસિનોફિલ્સ કોષોનું પ્રમાણ વધુ હોય તેવા દર્દીઓમાં કેટલાંક ચિહ્નો વારંવાર જોવા મળે છે, જેમ કે,

સૂકી ઉધરસ આવે. ખાસ કરીને રાત્રે ત્રણથી ચાર વાગ્યાના સમયગાળામાં ખાંસીના ઉપરા-ઉપરી વેગ આપતાં હોય છે. ખાંસીના સતત વેગના થાકથી શ્વાસ ચડે છે.

મોંમાંથી ફીણ-ફીણ જેવો કફ નીકળે છે. જે વાયુનું વિચિત્ર લક્ષણ છે.

ક્યારેક છીંકો આવે. ક્યારેક નાકમાંથી પાણી પણ પડે છે.

થોડો તાવ પણ આવી જાય.

શ્વાસ અદ્ધર રહેતો હોય એવું લાગે. છાતીમાં દુખે.

પગની પીંડીઓ અને સાંધાઓ પણ દુખે.

સારવાર:

આયુર્વેદની દ્રષ્ટિએ જોઇએ તો આ વિકારમાં મુખ્ય દોષ વાયુ હોય છે. વાયુ સાથે કફ પણ સંકળાયેલો હોય છે. વાયુ અવરોધ પામીને ઉપર ચઢે છે, ત્યારે ખાંસીના વેગ આવે છે. વહેલી સવારનો સમય એ વાયુની ઉત્તેજનાનો સમય છે.

ખાંસીના એટેક આવે ત્યારે, દર્દીને માત્ર પેટા પદાર્થો, હલકા ખોરાક ઉપર રાખવો.

મગનું પાણી, ઘઉંની રાબ, ચા, દૂધ, સિઝનનાં ફળો, વેજિટેબલ સૂપ વગેરે આપવું અને સૂંઠ નાખીને ઉકાળેલું પાણી તરસ લાગે ત્યારે પીવા આપવું.

સવારે ખાલી પેટે બે થી ત્રણ ચમચી દિવેલ – એરંડિયું ગરમ પાણી કે ચા અથવા દૂધ સાથે લેવું. પણ આ પ્રયોગ તમારા વૈદ્યરાજને પૂછીને જ કરવો.

 

Read More: કિમોચિકિત્સા (કેન્સર સારવાર)  દરમિયાન લેવાતો સૌથી શ્રેષ્ઠ આહાર

હરિદ્રાખંડ અવલેહ – ૧ ચમચી

શ્વાસકાસ ચિંતામણિરસ – ૧ ગોળી

સુવર્ણવસંત માલતી – ૧ ગોળી

સિતોપલાદિ ચૂર્ણ – અડધી ચમચી

બધું મિક્સ કરીને દિવસમાં લેવું.

શ્વાસકાસચિંતામણિ વાયુનું શીઘ્ર અનુલોમન કરે છે. સુવર્ણવસંત માલતી બલ્ય અને રસાયણ ઔષધ હોવાથી શરીરમાં પ્રવેશતાં વિજાતીય તત્વોનો સામનો કરવા ઇમ્યુનિટી પાવર વધારે છે. સિતોપલાદિ કફ દોષ માટેનાં શ્રેષ્ઠ ઔષધોમાંનું એક છે. હરિદ્રાખંડ અવલેહ એલર્જીની ખાસ દવા છે.

આહાર – જીવનશૈલી:

ઈયોસિનોફિલીયાના દર્દીએ દિવસ આથમે એ પહેલાં જમી લેવું અને હલકો સુપાચ્ય ખોરાક જ લેવો.

તળેલું – ફરસાણ – મીઠાઈ બંધ કરવાં. શક્ય હોય તો દાળ-શાકને તેલના બદલે ગાયના ઘીનો વઘાર કરવો.

ચોળી, ચણા, વાલ, વટાણા વગેરે કઠોળ ન ખાવાં. શીંગ, શીંગમાંથી બનેલી વસ્તુઓ ના ખાવી.

પનીર, ચીઝ, મેંદો, ટામેટાં બંધ રાખવા.

–     વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)