શક્તિનો મહાસાગર એટલે રણપ્રદેશનું ફળ – ખજૂર

શક્તિનો મહાસાગર એટલે રણપ્રદેશનું ફળ – ખજૂર/Dates

હાલ, ગુજરાતમાં રણોત્સવ ચાલી રહ્યો છે. અહીંયા તો રણ નાના છે, પણ મિડલઇસ્ટના રણ મોટા છે. દૂર, સુદૂર જ્યાં નજર નાખો ત્યાં રેતી જ રેતી, દઝાડતો કે ઠંડો પવન હોય એવા રણપ્રદેશમાં આરબો ઊંટ પર સવાર થઈને નીકળી પડે, ત્યારે ખોરાક-પાણીની મોટી સમસ્યા હોય છે.

આવા રણપ્રદેશમાં દિવસો સુધી બીજું કાંઈ ખાવાનું ન મળે ત્યારે પોષકતત્વોથી ભરપૂર એવા ફળની કુદરતે રચના કરી છે કે જેનાથી જીવન ટકી શકે. એ છે ડેઝર્ટ ફૂડ – રુતબ. અરબીમાં ખજૂરને રુતબ કહે છે. સંસ્કૃતમાં ખજૂરને મૃદુફલા અને ખર્જૂર કહે છે.

આપણે જે ખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલઇસ્ટના દેશોમાંથી આવે છે.

ખજૂર/Dates નું પોષણ મૂલ્ય

અંગ્રેજીમાં જેને Date કહે છે તેને Phoenix Dactylifera કહે છે. ખજૂરમાં શર્કરા 63 g; પ્રોટીન 2.45 g; કેલ્શિયમ 39 mg; આયર્ન 1.02 mg; ઉપરાંત ઝિંક, કોપર, વિટામીન A, વિટામીન B1, B2, B3, વિટામીન E, મેગ્નેશિયમ, પોટેશિયમ પણ છે.

ડાયાબિટીઝ અને ખજૂર/Dates

સાકરની આટલી માતબર માત્રા હોવા છતાં ડાયાબિટીઝના દર્દીઓ આરામથી ખજૂર ખાઈ શકે છે. કારણકે ખજૂરમાં રહેલી સાકાર સરળતાથી પછી જાય છે. ડાયાબિટીઝના દર્દીઓ ખજૂરનો વિવેકપૂર્વક ઉપયોગ કરે તો ડાયાબિટીઝમાં ફાયદો કરે છે. વળી, રોગ અને દવાઓને કારણે ઘટી ગયેલી કામશક્તિ પુનઃ ચેતનવંતી થાય છે.

શુક્રાલ્પતા

સ્પર્મની ઓછપને ઓલીગોસ્પર્મિઆ (oligospermia) કહે છે. અલ્પ શુક્રને કારણે ગર્ભાધાન થઇ શકતું નથી. ખજૂરને वीर्यविवर्धिनी કહે છે. ખજૂર નિયમિત ખાવાથી શુક્ર ધાતુ વધે છે. દોષવિહીન શુક્ર ઉત્પન્ન થતું હોવાને કારણે સંતાન પણ તેજસ્વી જન્મે છે.

ખજૂરની ચાર-પાંચ પેશી લઇ ઠળિયા કાઢી તેમાં ગાયનું ઘી ભેળવીને ખાવું.

ખાંસી – દમ

ખજૂર અને દ્રાક્ષને લસોટી નાખવી. બંનેની માત્રા દસ-દસ ગ્રામ લેવી. તેમાં લીંડી પીપરનો પાવડર પાંચ ગ્રામ ઉમેરી ફરી લસોટવું. બરાબર પેસ્ટ – લુગદી જેવું થાય ત્યારે તેમાં મધ, ગાયનું ઘી મેળવી ચાટણ જેવું બનાવવું.

આચાર્ય ચરક કહે છે કે આ ચાટણ ખાવાથી वैस्वर्य कास श्वास निर्वहणम् ǀ બેસી ગયેલો અવાજ સારો થાય છે. ઉધરસ અને દમ પણ મટે છે. નાના બાળકોને થતી ખાંસી પણ મટે છે. આ ઉપચારથી સ્ટીરોઇડ્ઝના પંપ લેવા પડતાં હોય તેમને પણ ધીમે ધીમે ફાયદો થાય છે અને છેવટે પંપથી હંમેશને માટે છૂટકારો મળી જાય છે.

સુકલકડી શરીર

પાંચ પેશી ખજૂર લઇ, ઠળિયા કાઢી 250 ગ્રામ દૂધમાં ઉકાળવી. તેમાં એક ચપટી સૂંઠનો પાવડર ઉમેરવો.

આ ખજૂરવાળું દૂધ રોજ સવારે પીવું. ખજૂર અને દૂધમાં માંસ ધાતુ વધારવાનો ગુણ છે. ખજૂર પચવામાં ભારે છે. પરંતુ સૂંઠના મિશ્રણથી તેનું પાચન ઝડપથી થાય છે. પેટમાં ભાર લાગતો નથી.

ખર્જૂર ક્ષીરપાકનો આ ઉપચાર આઠ-દસ મહિના કરવો. તેનાથી દુબળા, પાતળા સુકલકડી શરીરમાં માંસ ધાતુ પુષ્ટ થવા માંડે છે. ધીમે ધીમે શરીર ભરાવદાર થવા માંડે છે.

સિક્સ પેક બનાવવાની હોડમાં આજના યુવાનો જે પ્રોટીન પાવડરનો બેફામ ઉપયોગ કરે છે, તે જો આ ખર્જૂર ક્ષીરપાકનો ઉપયોગ કરે તો વધારે પડતાં પ્રોટીનની સાઈડ ઇફેક્ટ્સથી બચી જાય.

ખર્જૂર મંથ/Dates

આચાર્ય ચરક ખર્જૂરને श्रमहर કહે છે. એટલે કે થાક ઉતારનાર. જેમણે મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખર્જૂર મંથ કહે છે.

સાંધાના દુઃખાવાઓ: 

રુમેટિઝમ જેવા વા-સાંધાના દર્દોમાં પણ ખર્જૂર મંથ ઉપયોગી છે. સંધાઓની વચ્ચેના કાર્ટીલેજ (cartilage)  ને સતત પોષણ મળતું રહેવાથી આર્થરાઈટીસ જેવી સમસ્યાઓ ઉદ્ભવતી નથી.

હાડકા અને શરીરના બીજા અવયવોને નુકસાન કરતાં પીણાઓ પીવા કરતાં ખજૂરમાંથી બનતાં પીણાઓ પીવાથી શરીરમાં શક્તિ વધે છે. મસ્તિષ્કને ઝડપથી ગ્લુકોઝ મળતાં તરત સ્ફૂર્તિ – ઉત્સાહ વધે છે.

કબજિયાત:

ખર્જૂરનું પાણી રોજ સવારે વહેલાં ઉઠી નરણા કોઠે પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

હૃદયની સંભાળ:

ખર્જૂરને હૃદ્ય કહે છે. હૃદ્ય એટલે હૃદયને ગુણકારી. હૃદય સંબંધિત સમસ્યાઓમાં ખર્જૂર મંથ નિયમિત પીવો જોઈએ. તેનાથી હૃદયની કાર્યક્ષમતા વધે છે. બ્લડપ્રેશરને વધવા દેતું નથી.

લોહીની ઓછપ

જેમનું હિમોગ્લોબીન વધતું નથી અથવા તો અવારનવાર ઘટી જતું હોય તેમણે નિયમિત ૨ થી ૩ પેશી ખર્જૂર ખાવાની આદત પાડી દેવી જોઈએ. આનાથી અવારનવાર ઘટી જતું હિમોગ્લોબીન એના નોર્મલ લેવલમાં આવી જાય છે, અને ટકી રહે છે. અને એને કારણે જે થાક અને અશક્તિ લાગતા હોય તેમાં કાયમી રાહત થાય છે.

 

    વૈદ્ય સુષમા  હીરપરા

M- 9825368884

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)