શું ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો?

શું ડેન્ડ્રફ Dandruff ની સમસ્યાથી પરેશાન છો?

સુદર્શનની ઉંમર પંદર વર્ષની છે. નાનો હતો ત્યારે ચાઈલ્ડ અસ્થમાની તકલીફ હતી. નેબ્યુલાયઝર લે તો જ સારું થાય. આયુર્વેદિક સારવાર પછી તેની એ સમસ્યા હંમેશને માટે ગઈ. આજ દિવસ સુધી તેને એ પ્રકારની સમસ્યા ફરી થઇ નથી.

પણ છેલ્લા છ મહિનાથી ડેન્ડ્રફ (ખોડો)dandruff ની સમસ્યા થઇ. માથામાંથી ફોતરી ઉખળે, ખંજવાળ આવે – સ્કૂલમાં શિક્ષક ભણાવતા હોય ત્યારે પણ વારંવાર માથાના વાળમાં હાથ જતો રહે. તેને પોતાને પણ સંકોચ થતો. જુદા-જુદા શેમ્પૂઓ બદલી જોયા. માથામાં નાખવાના તેલ બદલી જોયા પણ પરિણામ ખાસ કંઈ નહિ.

dandruff  કારણો: 

ઠંડી-સૂકી-ભેજ વગરની હવા, માથામાં તેલ ન નાખવાની ફેશન, ખોરાકની ખોટી ટેવો, કબજીયાત, હાર્ડ કેમિકલ્સયુક્ત શેમ્પૂઓ કે પેરાફિન (paraffin) યુક્ત ઓઈલ્સ, વાળને રંગવાના કલર-ડાય, કેમિકલ્સ યુક્ત માથામાં લગાવાતી કાળી મહેંદી, હેર ડ્રાયરનો વધારે પડતો ઉપયોગ, માથાના વાળ ગરમ પાણીથી ધોવા.

ઉપર્યુક્ત તમામ કારણો માથાની ચામડી નીચે આવેલી સ્નેહ ગ્રંથિઓ પર વિપરીત અસર પેદા કરે છે. તેથી તેના સ્ત્રાવમાં વિષમતા ઉત્પન્ન થાય છે. જેને કારણે ચામડીની જીવન વિનિમય પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે અને માથાની ચામડી રુક્ષ બને છે. રુક્ષતા વધતાં ચામડીના કોષો મૃત બની જાય છે. આ મૃત કોષો એટલે જ ખોડો, જેને અંગ્રેજીમાં ડેન્ડ્રફ કહેવામાં આવે છે.

એક્સ્ટ્રા ફાર્માકોપિઆ (Extra Pharmacopoeia) માં માર્ટીનડેલ (Martindale) ના એક રીપોર્ટ પ્રમાણે શેમ્પૂઓમાં વપરાતું સિલેનિયમસલ્ફાઈડ આંખમાં એક પ્રકારનો રોગ પેદા કરે છે અને વાળના કુદરતી રંગને હાનિ પહોંચાડે છે.

વાળ શાનાથી ધોવા?

શિકાકાઈ: ૩ ભાગ, આમળા: ૨ ભાગ, અરીકા: ૧ ભાગ, દારુ હળદર: અડધો ભાગ. આ બધાને ખાંડી અધકચરો પાવડર બનાવી તેમાંથી આશરે ૨૫ ગ્રામ પાવડરને પાણીમાં ઉકાળવી. લોખંડની કડાઈમાં પલાળીને પણ ઉકાળી શકાય. ઠંડુ પડે પછી તેને ગાળી તે પાણી માથામાં ચોળવું, પછી માથું ધોઈ નાખવું.

 

તેલ કયું નાખવું?

 

ભૃંગરાજ, ગમીનો છોડ, આમળા, બહેડા, બ્રાહ્મી – આ બધી ઔષધિઓને સરખા ભાગે લેવી. તેને અધકચરી ખાંડવી. ચારસો ગ્રામ ભુક્કો હોય તો તેમાં દોઢ લીટર પાણી નાખી ધીમા તાપે ઉકાળવું. અડધું પ્રવાહી બળી જાય ત્યાં સુધી ઉકાળવું. પછી ઉપરની જ ઔષધિઓના ૧૦૦ ગ્રામ પાવડરમાં થોડું પાણી નાખી પેસ્ટ (લુગદી) બનાવવી. ઔષધિઓની લુગદી, ગાળેલું પ્રવાહી અને ૪૦૦ ગ્રામ કોપરેલ તેલ – આ બધાને ફરી ઉકાળવું. પ્રવાહી સંપૂર્ણ બળી જાય ત્યારે લુગદીને ચમચા વડે બહાર કાઢી ઠંડુ પડે ત્યારે હાથમાં લઇ ગોળી કે દિવેટ વાળવાનો પ્રયત્ન કરવો. જો હથેળીમાં પેસ્ટ ચીટકી જાય તો સમજવું કે હજુ તેમાં પાણીનો ભાગ છે, તો ફરી ઉકાળવા મુકવું. અને થઇ ગયા પછી ગાળીને બોટલમાં ભરી દેવું.

બે હજાર વર્ષ જૂની તેલ બનાવવાની આ આયુર્વેદિક પદ્ધતિ છે. આ પ્રમાણે તેલ બન્યું હોય તો જ વાળને ફાયદો થાય છે, તેનાથી વાળ ખૂબ વધે છે, ખરતાં બંધ થાય છે અને ખોડો થતો નથી.

બજારમાં મળતા તેલ આ પદ્ધતિથી બનેલા છે કે નહિ એ ચકાસવું. વળી તેમાં પેરાફિન ઉમેરવામાં આવે છે. પેરાફિન એ કેરોસીન જેવું જ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે. તેલ સસ્તું પડે અને તેલની ચીકાશ ઘટે એ માટે એ ઉમેરવામાં આવે છે. ચામડીના છિદ્રોથી તે ચામડીની અંદર ઉતરતું નથી પરંતુ તે ચામડી પર એક પાતળું પડ (લેયર) પેદા કરે છે, જે ચામડીના છિદ્રો દ્વારા નીકળતા શરીરના કચરાને બહાર નીકળતો રોકે છે. શરીરની ઉષ્માને પણ બહાર નીકળતી રોકે છે. જે વાળને ખૂબ હાનિ કરે છે. દિવસે-દિવસે વાળની ગુણવત્તા બગડે છે અને વાળ પાતળા પડી નિસ્તેજ બને છે. વાળ પીંગળા, સફેદ થવા માંડે છે. કોઈ પણ માથાનું તેલ ખરીદતા પેહલાં ચકાસો કે તેમાં પેરાફિન છે કે નહિ?

 

શુદ્ધિચૂર્ણ

 

સાકર, જીરું, મજીઠ, વાવડીંગ, સ્વર્ણપત્રી – આ બધી ઔષધિઓનો પાવડર બનાવી રોજ રાત્રે સૂતી વખતે પાણી સાથે એક ચમચી લેવું. તેનાથી પેટ સાફ રહે છે. વિષમ થયેલા દોષોનું મળ માર્ગે નિર્હરણ થાય છે. મજીઠ ચામડીની વિનિમય ક્રિયામાં સુધારો લાવે છે. સ્વર્ણપત્રી સ્નેહગ્રંથિઓના સ્ત્રાવમાં વિક્ષેપ પાડતા તત્વો (toxins) ને દૂર કરે છે.

 

રસ ઔષધિ

શુદ્ધગંધક ૫ ગ્રામ, શુદ્ધ ગૈરિક ૧૦ ગ્રામ લઇ બંનેનું મિશ્રણ કરવું. કુલ પંદર ગ્રામની ત્રીસ નાની પડીકીઓ બનાવવી. તેમાંથી રોજ એક પડીકી સવારે ઘી અને સાકર સાથે લેવી.

ગંધક અને શુદ્ધ ગૈરિકના સંમિશ્રણથી લોહી શુદ્ધ બને છે. ખંજવાળ ઝડપથી મટે છે. ચામડીની જીવન વિનિમય ક્રિયામાં સુધારો થતાં ડેન્ડ્રફની સમસ્યા ઝડપથી નિયંત્રિત થાય છે.

ઉપર્યુક્ત ઉપચારક્રમથી હવે સુદર્શનને ડેન્ડ્રફની કોઈ સમસ્યા નથી.

 વૈદ્ય સુષમા  હીરપરા

Email: gujarathealth365@gmail.com

+91-9835368884

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)